: શ્રી સ્વામીનારાયણ મંદિર :
શ્રીહરિ અને સંતો જ્યારે જ્યારે ઉમરેઠ પધારે ત્યારે ત્યારે ઉતારા (રહેઠાણ)ની વ્યવસ્થા અલગ અલગ સ્થળે કરવી પડતી. શ્રીહરિની આજ્ઞાથી સંતો સત્સંગ પ્રચારાર્થે વારંવાર ઉમરેઠમાં આવતા અને ધર્મપ્રચાર કરતા. શ્રીહરિના અલૌકિક આશ્ચર્ય પ્રભાવનો અનુભવ કરીને તથા સંતોના નિયમ, ધર્મો અને રહેણી-કરણી નજરે નિહાળીને ઉમરેઠના ઘણા મુમુક્ષુઓએ સત્સંગ સ્વીકારેલો. ઉમરેઠનાં સત્સંગીઓને નિત્ય દેવદર્શન, નિત્ય નિયમો વગેરે ધાર્મિક કાર્યો માટે ઉમરેઠમાં હરિમંદિર કરવાની ખાસ જરૂર હતી. વળી, ગામમાં હરિમંદિર થાય તો સત્સંગીઓને પોતાના ગામમાં ઉપરોક્ત સુવિધા મળી રહે તથા સંતોને ઉતરવાની વ્યવસ્થા પણ થઇ શકે. આવા શુભ હેતુથી ઉમરેઠના સત્સંગીઓએ પોતાના ગામમાં હરિમંદિર કરવાનું વિચાયુઁ. શ્રીહરિએ સત્સંગીઓના આ શુભ વિચારને સમર્થન આપ્યું. 
       મંદિરનું બાંધકામ કરવા માટે સ્થાન, સમય અને સંપત્તિનો સુમેળ હોય ત્યારે જ થઇ શકે તેમ હતું. આ બાબતને લક્ષ્યમાં રાખીને સત્સંગીઓએ હરિમંદિર કરવા યોગ્ય સ્થાનની શોધખોળ શરૂ કરી અને તે માટે યોગ્ય જમીનની પસંદગી કરવામાં આવી. પસંદ કરાયેલી જમીન વેચાતી લેવા માટે જમીન માલિક સાથે પ્રાથમિક વાતચીત કરવામાં આવી અને ત્યારબાદ તે જમીન સંપાદન માટેનું પ્રાથમિક લખાણ સં.૧૮૮૪ના કારતક સુદ-૫ના દિવસે વડતાલ મૂકામે થયું. જમીન ખરીદવા માટે જોઇતા રૂપિયા એકત્ર કરવા સર્વે સત્સંગીઓએ યથાશક્તિ મુજબ દાન આપીને જોઇતા રૂપિયા એકત્રિત કર્યા. ત્યારબાદ જમીન વેચાણ કરનાર જયકૃષ્ણરામ ભટ્ટને રૂપિયા ૩૦૫/– આપીને સં. ૧૮૮૫ના વૈશાખ સુદ-૧૦ને બુધવાર તા. ૮-૫-૧૮૨૯ના દિવસે રૂપિયા ૧ ના સ્ટેમ્પ પેપરમાં, ઉમરેઠ ગામનાં ઓડ ભાગોળ વિસ્તારમાં વર્તમાનકાળે જે સ્વામિનારાયણ મંદિર છે તે મંદિરના એક ભાગરૂપ જે તે વખતની જમીનનું ક્ષેત્રફળ આ મુજબ હતું. ઉત્તર-દક્ષિણ= ૧૧૫ ગજ અને પૂર્વ-પશ્ચિમ=૮૬ ગજ હતું. ઉમરેઠનાં સત્સંગીઓએ તે સ્થળે હરિમંદિર કરીને ભગવાન શ્રી સ્વામિનારાયણના નામનો દસ્તાવેજ કરાવીને તે જમીન ઉપર હરિમંદિરનું બાંધકામ કયુઁ. 
       ત્યાર બાદ સં. ૨૦૫૫ના ફાગણ વદ-૧૦ને તા.૧૨-૩-૧૯૯૯ને શુક્રવારના રોજ નવું ભવ્ય શિખરમંદિર બાંધવવામાં આવ્યું. તેમાં શ્રી ઘનશ્યામ મહારાજ અને શ્રી રાધાકૃષ્ણ દેવની મુર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી.


ભગવાન શ્રી સ્વામિનારાયણના હાથે થયેલ
ઉમરેઠ સ્વામિનારાયણ મંદિરની ભૂમિનો દસ્તાવેજ